AI : એક નવા વિશ્વની શરૂઆત (2) | AI વિષે એકદમ સરળ ભાષામાં સમજૂતી
AI :: એક નવા વિશ્વની શરૂઆત (2)
થોડાંક સમયથી વારેઘડીએ કાને અથડાતો શબ્દ એટલે AI, બધે એનાં ભણકારા સંભળાય છે પણ ખબર નથી પડતી કે એ છે શું ? અને કેમ આટલો હોબાળો છે ?
AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કે જેનાં નામ પ્રમાણે સીધો મતલબ થાય છે કૃત્રિમ બુદ્ધિ. હાં, એ બુદ્ધિ કે જેનાં પર હજારો વર્ષોથી આપણો જ ઈજારો હતો અને છે. 😄 (પરંતુ આગળ જતાં નહીં હોય તે નક્કી છે.)
AI એટલે એવું મશીન કે જે મનુષ્યની જેમ પોતાની જાતે જ વિચારી, શીખી અને સમજી શકે. જેથી તે તેવાં તમામ કાર્યો કરી શકે જેમાં માનવ મગજની જરૂર હોય. (અહીં મશીન એટલે કોમ્પ્યુટર હો, બીજાં ફેકટરી કે ઘરમાં હોય તે મશીન નહીં. 😊)
70–80 વર્ષ પહેલાં સુધી આપણે જેટલાં પણ મશીનો બનાવ્યા હતા તે મુખ્યત્વે માણસને શારીરિક કામોમાં મદદ મળે તે હેતુથી બનાવેલ હતાં તે પછી ફેકટરીમાં મશીન હોય કે મોટરકાર હોય.
પણ કોમ્પ્યુટર/કેલ્ક્યુલેટર એવી પહેલી શોધ હતી કે જેમાં આપણું માનસિક કહી શકાય એવાં કામોમાં મદદ મળતી થઈ. શરૂઆતનાં કોમ્પ્યુટર પાયાની ઘણતરીઓ માટે જ બનેલા હતાં એટલે તેમને સીધી અને સરળ સૂચનાઓ દ્વારા પ્રોગ્રામ કરેલ હતાં અને તેઓ તે પ્રમાણે કામ કરી બતાવતા. જેનાં બાદ આપણે કોમ્પ્યુટરને વધુને વધુ જટિલ ગણતરીઓ અને કામો માટે જટિલ સૂચનાઓ આપી પ્રોગ્રામ કરતાં થયેલ.
છેક હમણાં સુધી આ પેટર્ન ચાલુ હતી કે વધુને વધુ સોફિસ્ટીકેટેડ સૂચનાઓ દ્વારા કોમ્પ્યુટરને પ્રોગ્રામ કરીને તેને વધુને વધું અઘરું અને જટિલ કામ કરાવતા હતાં. અત્યાર સુધીના મોટાભાગની મોબાઇલ એપ્લિકેશન અને સોફ્ટવેર આનું ઉદાહરણ છે. વોટ્સએપ, ટેલીનું સોફ્ટવેર, મોબાઇલનો કેમેરો, ઝૂમ, એલાર્મ ઘડિયાળ, યૂટ્યુબ વગેરે. (હાં, યૂટ્યુબ, ફેસબૂક કે ગૂગલને માત્રને માત્ર સૂચનાઓનાં આધારે કાર્ય કરતી એપ્લિકેશન ના ઘણી શકાય, એમાં નબળું કહી શકાય એવું AI શામેલ હોય છે.)
પણ છેલ્લે તો કોમ્પ્યુટરને સૂચનાઓ આપવાની જ હોય અને તે એ પ્રમાણે કાર્ય કરી શકે તેમ છે. જેનો અર્થ કે કોમ્પ્યુટર જાતે વિચારે એવું માત્રને માત્ર સૂચનાઓ દ્વારા શક્ય બને એમ નહોતું.
(કોમ્પ્યુટર લખ્યું એનો મતલબ એવો નથી કે માત્ર કોમ્પ્યુટર માટે જ આ બાબત લાગુ પડે છે, તેમાં આપણી મેસેજ આસપાસના દરેક ડિજિટલ સાધનોનો ગણી શકાય, એમાય મોબાઇલ તો સૌથી પહેલું. 😊)
પણ હવે વિચારો કે કોમ્પ્યુટર/મોબાઇલને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર કે એને પ્રોગ્રામ કર્યાં વગર સીધું એને કહીએ અને એ જાતે સમજીને કાર્ય કરે તો ?
આતો થઈ ગયુંને માણસ જેવું જ ને !! (હાં, અડધો અડધ માણસો તો સૂચના સિવાય કામ કરી શકે તેમ નથી, તે અલગ વાત છે. 🤪)
તો હાં, આપણે મનુષ્યનાં મગજની જેમ વિચારી શકે, તર્ક દોડાવી શકે, સમજી શકે, વિશ્લેષણ કરી શકે, શીખી શકે એવું મશીન બનાવી લીધું છે. જેને AI કહીએ છીએ.
AI એવાં કોમ્પ્યુટર પ્રોગ્રામ/સોફ્ટવેર છે જે બુધ્ધિશાળી વ્યક્તિની જેમ વિચારીને જવાબ આપી શકે, નવું લખી શકે, ફોટો-વિડિયો બનાવી શકે, ચર્ચા કરી શકે અને આવાં ઢગલો કાર્યો જેમાં વિચારવાનું અથવા સર્જનાત્મક શક્તિનો ઉપયોગ થાય એવા કામ કરી શકે છે.
અને એટલે જ હું વારે ઘડીએ કહું છું કે AI એ નાં માત્ર કોઈ નવું ટૂલ અથવા ટેકનોલોજી છે પરંતુ માનવ ઇતિહાસની સૌથી શક્તિશાળી ટેક્નોલોજી છે જે જીવનના દરેક પાસા ભારે પ્રમાણમાં બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.
AI ની ભાષામાં આવાં સોફ્ટવેરને મોડેલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે અત્યાર સુધીનાં સોફ્ટવેર કરતાં ખુબ અલગ અને કરોડો ઘણાં શક્તિશાળી હોય છે.
હાં, અત્યારનાં AI મોડેલની લીમિટેશન છે તે ઘણી બાબતોમાં આપણાં કરતાં નબળું છે પરંતુ ઘણી બાબતોમાં તે આપણાં કરતાં અનેકો ઘણું ફાસ્ટ, અસરકારક અને સર્જનાત્મક હોય છે. એટલું સમજી લો કે અત્યારનાં AI છે તે માત્રને માત્ર શરૂઆત છે (આજથી 12 વર્ષ પહેલાંના સમાર્ટફોન સાથે સરખામણી કરી શકો.) તોય તે આટલી ક્ષમતા દેખાડી રહ્યું છે તો જેમ જેમ તે વિકસશે તેમ તે કેટલું શક્તિશાળી અને ઉપયોગી બની શકે તે તમે ઇમેજીન કરી શકો છો !!! 😇
હવે વિચાર આવે ને કે પણ આમ તો મશીન કેવી રીતે વિચારી શકે ? આપણું મગજ તો કુદરતનું અજાયબીભર્યું રહસ્ય છે જે વિજ્ઞાનિકો દ્વારા પણ નથી ઉકેલાઈ તો આ મશીનો કેવી રીતે વિચારતા થઈ ગયાં ??
આનો જવાબ આવતા લેખમાં આપીશું. 70 વર્ષનું અઢળક મહેનત, સંશોધન અને રોકાણ એની પાછળ છે. 😊