AI કેવી રીતે કામ કરે છે ? | AI વિષે એકદમ સરળ ભાષામાં સમજૂતી

Chirag Joshi
4 min readDec 1, 2023

--

AI કેવી રીતે કામ કરે છે ? 🤔🤔

By Author ✍️

અલ્યા, AI AI સાંભળ્યું તો ખુબ છે અને ChatGPT ને કંઇક પૂછીએ તો જવાબો પણ જબ્બર આપે છે. પણ આવું થાય કેવી રીતે ? આ AI કામ કેવી રીતે કરે છે ?

આવા પ્રશ્નો મનમાં ઘણાને ઉદભવતા જ હશે. આજે આપણે એકદમ સરળ રીતે આના જવાબ સમજીશું. 😊

પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ChatGPT 8 મહિના પહેલા રિલીઝ થયું ત્યારે જ AI દરેક વ્યક્તિના મોઢે ચડ્યું છે પણ AI છેલ્લા ઘણા વર્ષોથી આપણી આસપાસ ક્યાંકને ક્યાંક રહેલું જ હતું.

તમે જ્યારે યૂટ્યુબ અથવા ઈન્સ્ટાગ્રામ ખોલો અને તમને ગમે એવા વિડિયો અને ફોટો જ પહેલાં દેખાય એની પાછળ ક્યાંકને ક્યાંક AI રહેલ છે. હાં એ અત્યારનાં ChatGPT કે અન્ય AI ની સરખામણીમાં ખૂબ નબળું AI હતું.

હવે, AI ને એકદમ સરળતાથી સમજવા સૌથી પહેલા આપણું મગજ કેવી રીતે કામ કરે છે અને આપણે નાના હતા ત્યારથી અત્યાર સુધી કેવી રીતે બધું શીખ્યા છીએ તે સમજવું જરૂરી છે.

હવે કોઈ બાળક જન્મે છે ત્યારે એને કંઈ જ નથી ખબર હોતી કારણ કે એમાં મગજમાં આ બહારની દુનિયાની એકપણ માહિતી નથી હોતી જાણે કે બોલાય કેવી રીતે, લોકો કેવા દેખાય છે, આસપાસનું તમામ કેવું છે એવી એકપણ માહિતી એના મગજને નથી હોતી. (હાં, DNA દ્વારા અમુક પ્રકારની માહિતી ઓલ રેડી એનામાં રહેલ હોય છે.)

હવે જેમ જેમ એ મોટું થાય છે તેમ તેમ તે લોકોને બોલતા સાંભળે છે તો તે ભાષા અને બોલતા શીખે છે, વસ્તુઓ દેખે છે, લોકોને ઓળખે છે, આસપાસનું સમજે છે વગેરે. આ દરમિયાન એના મગજને આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા અથવા સ્પર્શ દ્વારા આસપાસની દરેક માહિતી ભાષા, દૃશ્ય, આવાજ, ગંધ કે સ્પર્શ સ્વરૂપે મગજને પહોંચે છે. અને મગજ એ માહિતી પરથી શીખે છે અને સમજે છે. (હવે સમજાશે કે આપણે બીજું કઈ નહિ, માત્રને માત્ર માહીતીનો ભરાવો થવાથી અત્યારે જે છીએ તે બન્યા છીએ, સારી અને ખરાબ. 😄)

તો ChatGPT પાછળ રહેલ AI એ આપણાં મગજની આછી કોપી કહી શકાય એવો ઢાંચો ધરાવતા લાર્જ લેન્ગવેજ મોડેલ રહેલા છે.

લેન્ગવેજ મોડેલ એટલા માટે કે તે ભાષા સાથે જ કામ કરે છે જેમકે તમે ભાષામાં જ એને સૂચના આપી શકો અને જવાબ પણ કોઈ એક ભાષામાં જ આવશે.

અને લાર્જ એટલા માટે કે તેઓ રાક્ષસી સાઈઝનાં ડેટા પર ટ્રેઈન થયેલા હોય છે. રીતસરના આખા ઈન્ટરનેટ પર રહેલા અબજો ટેક્ષ્ટના ડેટા પર તેઓ ટ્રેઈન થયેલા હોય છે. ટ્રેઈન થવાનો મતલબ કે તેમને ડેટા આપીને પ્રોસેસ કરીને શીખવાડવામાં આવે છે.

AI ના મોડેલને ભારે ક્ષમતા ધરાવતા GPU પર ટ્રેઈન કરવાનાં હોય છે. જેમ સામાન્ય કોમ્પ્યુટરમાં જેમ સીપીયુ આવે એમ GPU એ AI માટે સ્પેશિયલ ઊંચી ક્ષમતા ધરાવતી ચીપ હોય છે. (ગેમ રમવા વાળાઓ માટે પણ ખાસ ઉપયોગી ખરાં. 🤪)

તમને ખબર છે ChaGPT પાછળ જે AI રહેલ છે તે મોડેલ કરવામાં અત્યારનાં સૌથી એડવાન્સ છે એવાં 10,000 GPU પર ટ્રેઈન થયેલ છે અને જેમાં મહિનાઓનો સમય થયો હતો. હવે તમે વિચારી શકો છો કે તે કેમ ગજબની ક્ષમતા ધરાવે છે !! 😇

અને એટલા માટે જ તે ઘણા કાર્યો કરવામાં આપણાથી ખુબ સરસ અને ફાસ્ટ છે. હાં, ઘણાં કાર્યોમાં તેઓ ખૂબ નબળા પણ છે.

હવે પ્રશ્ન થાય કે આ મોડેલ ડેટા પરથી શીખતા કેવી રીતે હશે ?

હકીકતમાં આપણાં મગજની કાર્ય પદ્ધતિ મુજબની આછી પાતળી પ્રતિકૃતિ કહી શકાય એવાં આર્ટિફિશિયલ ન્યુરલ નેટ આપેલ ડેટા પરથી શીખે છે.

તમને ખબર જ હશે કે આપણા શરીર અને મગજમાં દરેક પ્રકારની માહિતીની આપલે ચેતાતંતુઓ દ્વારા થતી હોય છે. આપણાં મગજમાં 86 અબજ આવા ચેતાતંતુઓ આવેલા હોય છે અને તેઓ એકબીજા સાથે નેટવર્કમાં જોડાયેલા હોય છે અને માહિતીની આપલે કરતાં હોય છે. વિચારો કેટલું જટિલ અને મોટું નેટવર્ક આપણાં માથામાં કામ કરી રહ્યું છે ? 😊 આ નેટવર્કને જ ન્યુરલ નેટવર્ક કહેવામાં આવે છે.

તો AI માં આવું “કુત્રિમ ન્યુરલ નેટવર્ક” બનેલ હોય છે. અને એને ડેટા આપીને ટ્રેઈન કરવાનું હોય છે. એમાંય મૂળ પાયામાં ન્યુરલ નેટવર્કની કાર્ય પદ્ધતિ એવી હોય છે કે તે કોઈ પણ વાક્યમાં માત્રને માત્ર નેક્ષ્ટ શબ્દ કયો આવશે એની જ આગાઈ કરે છે. તો તમને ChatGPT જે જવાબો આપે છે તે માત્રને માત્ર દરેક શબ્દ પછી કયો શબ્દ આવી શકે તેની ભવિષ્યવાણી દ્વારા બનેલ વાક્યો જ હોય છે. 😊

અહીં કુત્રિમ ન્યુરલ નેટવર્ક કોઈ પ્લાસ્ટિક કે માનવસર્જિત માંસ કે તંતુઓનાં બનેલ નથી હોતા. 😄 પણ તે આપણા મગજનું ગાણિતિક સ્વરૂપ હોય છે. હાં, આખી દુનિયાના ખળભળાટ મચાવનાર AI ના પાયામાં સંપૂર્ણપણે ગણિત રહેલ છે. (મને પણ ગણિતનો આટલો વિશાળ ઉપયોગ નજીકથી જોયો ત્યારે ગણિતનું મહત્વ પહેલી વાર સમજાયું હતું, બાકી તો વધારે ગુણ આવે એજ જિંદાબાદ.. 😄😄)

હાં, તો હવે અંદાજ આવ્યો હશે કે આ AI નામનું ભૂત કેવી રીતે કામ કરે છે અને કેમ તે વિશાળ બને તો અતિ શક્તિશાળી થઈ શકે એવો ડર બધાને છે !!! 😊😊

--

--

Chirag Joshi
Chirag Joshi

Written by Chirag Joshi

14 yrs old. Chief AI Engineer, Edutor. Learning & Building AI all the time ! Making Intelligence truly abundant to make Humanity better & then conquer the Star.

No responses yet